Friday, April 11, 2025

ગુજરાતી શાયરી ગઝલો ની મહેફિલ

 

આગળ કશું નથી


આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી,

ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી.


ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,

અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી.


નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,

અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.


વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,

વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.


સહરાની જેમ તું ય ધધખતો ભલે ને હોય,

વરસી શકે જરાક, તો વાદળ કશું નથી.


દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,

દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.


અલગ થવાનું છે


કહે છે, મારે તમારે અલગ થવાનું છે,

દરેક તારથી તારે અલગ થવાનું છે.


ન એક રાખી શકી એમને-મને જે સમજ,

બસ એ સમજના સહારે અલગ થવાનું છે.


કોઈ તો ક્યારનું મારાથી થઈ ચૂક્યું છે અલગ,

હવે એ શખ્સથી મારે અલગ થવાનું છે.


જીવનના પર્ણનું ઝાકળ છું આજની રાતે,

મને ખબર છે, સવારે અલગ થવાનું છે.


પીડાઓ કેમ થશે ખુદ અલગ તમારાથી ?

પીડાથી જાતે તમારે અલગ થવાનું છે.


ગઝલમાં ડૂબી જવું, જંપવું ગઝલ સર્જી,

સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે.


અજબગજબનું સંબંધનું આ સત્ય રઈશ,

નજીક આવી વધારે અલગ થવાનું છે.


જવાબ હોઈ શકે..!


પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે..!

આ સમય લાજવાબ હોઈ શકે..!


હાથ હો ખાલી, ભીતરે જો જે ,

મૂડી ત્યાં બે-હિસાબ હોઈ શકે..!


આંખ ભીની ને હોઠ હસતા હો ,

ખાલીપાનો રૂઆબ હોઈ શકે..!


હોવાનો અર્થ એમ જોયો મેં ,

ઓસ પણ આફતાબ હોઈ શકે..!


આજની આ ક્ષણો, હકીકતમાં-

કાલે જોયેલા ખ્વાબ હોઈ શકે..!


વાંચે છે આ હવા સતત જેને ,

પાંદડા પણ કિતાબ હોઈ શકે..!


આ ગઝલ.. જિંદગીએ આપેલો ,

ખૂબસૂરત ખિતાબ હોઈ શકે..!


બીડેલા હોય છે


ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે

ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે


એમની ટક-ટક ભલે વેળા-કવેળા હોય છે

હાથ ઝાલી, સાચવી ટાણું, ઊભેલા હોય છે

ચાહ સાતે, છાપું સાડા સાત, આઠે ફોન પર

આઠ પાંચે, અંતરે ઈશ્વર વસેલા હોય છે


એક દિવસ એમને હળવેકથી હડસેલજો

સંવતોનાં બારણાં તો અધખૂલેલા હોય છે


લ્હેરી લાલો હોય તો ખિસ્સામાં રાખીને ફરે

સૌએ કાંડાં, આમ તો, સોંપી દીધેલાં હોય છે




No comments:

Post a Comment

જન્માષ્ટમીના રંગે રંગાયેલી ભક્તિભાવની રાત”

જન્માષ્ટમી એ ભક્તિ, આનંદ અને સંસ્કૃતિનો પાવન પર્વ છે, જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઊજવાય છે....