શાળા-કોલેજનું ભણતર આપણને બહેતર ભવિષ્ય માટે તૈયાર કરે છે. શાળા-કોલેજ પત્યા પછી માણસ પોતાની લાયકાત અને મહેનત અનુસાર નોકરી કે ધંધો કરી પૈસા કમાવાની શરૂઆત કરે છે. જીવન જીવવા પૈસા જરૂરી છે એ બાબતે મજૂર વર્ગ થી લઈને માલદાર સુધી દરેક વર્ગ સહમત છે.
આવક, જરૂરિયાત, અને રહેણી-કરણી ના હિસાબે માણસ ક્યાં તો પૈસાનો વપરાશ કરે છે, પૈસાની બચત કરે છે અથવા તો પૈસાનું રોકાણ કરે છે.
પૈસા હાથમાં હોય અને કઈ ખરીદવાનું હોય કે રોજબરોજના ખર્ચા કરવાના હોય એના માટે માણસ પૈસાનો વપરાશ કરે છે.
પૈસા હાથમાં હોય અને નજીકના ભવિષ્યમાં કંઈક જરૂરિયાત હોય એના માટે માણસ પૈસાની બચત (saving) કરે છે.
પણ માણસ પૈસાનું રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ) શા માટે કરે છે? અથવા પૈસાનું રોકાણ શા માટે કરવું જોઈએ?
મોટા ભાગનાં લોકો આ સવાલનો જવાબ આપશે કે – “હાઈ રિટર્ન્સ” માટે. સરળ ભાષામાં કહીએ તો આજે હું ₹100 કોઈ જગ્યાએ (રીઅલ એસ્ટેટ, સ્ટોક્સ, મ્યુચલ ફંડ, PPF વગેરે માં) રોકું, તો મને ભવિષ્યમાં ₹100 ના ₹120 (20%) મળશે, ₹150 (50%) મળશે, ₹200 (100%) મળશે, અથવા ₹1000 (900%) રિટર્ન્સ મળશે એવું ધારીને રોકાણ કરવું (હા પણ ₹100 ના ₹80, ₹50 કે ₹0 પણ થઇ શકે એ સત્યનો સામનો કરવા આપણું મન તૈયાર નથી અથવા તો આપણે અંધારામાં રહીએ છીએ, એ એક અલગ વિષય છે)
મારા માટે પૈસાનું રોકાણ કેમ કરવું જોઈએ એના મુખ્ય બે કારણો છે.
1) દર વર્ષે વધતો મોંઘવારી દર (inflation rate)
દર વર્ષે મોંઘવારી દર 4% થી 8% વધે છે. બીજી રીતે કહીએ તો તમારી પાસે 2021 માં ₹100 છે એની કિંમત 2022 માં 4% થી 8% ઘટવાની છે એટલે કે ₹100 ની કિંમત એક વર્ષ પછી ₹96 થી ₹92 થવાની છે. 2023 માં ₹92.16 થી ₹84.64 અને આમ જ ₹100 ની કિંમત મોંઘવારી વધવાની સાથે સતત ઘટવાની છે.
બીજી રીતે જોઈએ તો આજે તમારો એક વર્ષનો જે ખર્ચો ₹100 છે એ આવતા વર્ષે ₹108 થવાનો છે અને તમે તમારી પાસેના ₹100નું કઈ નથી કરતાં તો દર વર્ષે ક્યાં તો તમારે તમારી ઈન્ક્મ વધારવી પડશે યા તો એવું રોકાણ કરવું પડશે જે મોંઘવારીની સાથે સાથે વધે.
ધારી લઈએ કે મોંઘવારી દર, દર વર્ષે 8% વધે છે.
તમારી પાસે ₹100 ઘરમાં પડ્યાં છે, તો ઉપર જોયું તેમ એની કિંમત સતત ઘટવાની છે.
આ ₹100 તમે બેંકમાં સેવિંગ ખાતામાં મુક્યા હતે તો એક વર્ષ પછી એની કિંમત ₹102.7 થતે (SBI સેવિંગ અકાઉન્ટ ઇન્ટરેસ્ટ રેટ 2.70%)
આ ₹100 તમે PPF માં મુક્યા હતે તો એક વર્ષ પછી એની કિંમત ₹107.1 થતે (PPF ઇન્ટરેસ્ટ રેટ 7.1%)
તમારી પાસે જે ₹100 છે એની કિંમત એક વર્ષ પછી ₹108 (8%) થવી જોઈતી હતી. તો તમે એમ કહી શકતે કે તમારી પાસે જે ₹100 છે એની કિંમત મોંઘવારી સાથે વધી રહી છે. ઉપરના દરેક કિસ્સામાં તમે જોઈ શકો છો કે ₹100ની કિંમત ₹108 થી ઓછી છે અને એની કિંમત મોંઘવારી સાથે વધવાને બદલે ઘટી રહી છે.
શેર માર્કેટ (સ્ટોકસ, મમ્યુચલ ફન્ડ) એક એવું માધ્યમ છે જે તમારા ₹100ની કિંમત મોંઘવારી સાથે વધારી શકે છે. પણ આગળ કહ્યું તેમ, એક વર્ષમાં ₹100 ના ₹200 પણ થઇ શકે અને ₹100 ના ₹20 પણ થઇ શકે. એટલે 5 વર્ષ સુધી ₹100 ભૂલી જઈ શેર માર્કેટ માં રોકાણ કરવા માંગતા હોય તો ભલે કરો.
5 વર્ષ પછી 40% રિટર્ન્સ (દર વર્ષની એવરેજ ઓછામાં ઓછું 8% રિટર્ન્સ) મળે તો ખુશ થવું કે તમારા ₹100 મોંઘવારીને સાથે વધી રહ્યા છે. 8% થી વધારે રિટર્ન્સ મળે તો એ “બોનસ” છે.
ટાર્ગેટ ₹100 ની કિંમત દર વર્ષે 8% વધારવાનો હોવો જોઈએ, નહિ કે હાઈ રિટર્ન્સનો.
2) આખી જિંદગી કામ કરીને પૈસા કમાઈ શકો એ શક્ય નથી. ક્યારેક ને ક્યારેક તો શરીર સાથ છોડશે.
દર વર્ષે તમે જે પૈસા કમાવ છો એમાંથી જે પૈસા નજીકના ભવિષ્યમાં ઉપયોગી નથી એને શેર માર્કેટ માં નિયમિત પણે રોકતા રહો. પણ એક સમય આવશે જયારે તમારું કમાવાનું માધ્યમ બંધ થશે. અને તમારી પાસે જો બીજી કોઈ ઈન્ક્મ નથી તો તમે નિયમિત રોકાણ કરી શકશો નહિ. તમારું શરીર પણ ઉમર સાથે સાથ છોડશે. 55/60 ની ઉંમરે જયારે પૈસા કમાવાનું બંધ થાય ત્યારે તમે કરેલા રોકાણનું વળતર તમને મોંઘવારી સાથે ટકી રહેવા મદદ કરશે.
જો તમે મધ્યમ વર્ગી છો તો પૈસા કમાવા કરતાં, કમાવેલા પૈસાનું રોકાણ કેમ કરવું એ વહેલી તકે સમજવું અગત્યનું છે.
હા, તમારી પાસે કરોડો પડ્યાં હોય તો ચિંતા કરવા જેવી નથી. 😉
No comments:
Post a Comment